Maru Bardoli |Clean Bardoli
આ નગરનો પ્રાચીન ઇતિહાસ કોઈ પણ પુસ્તકમાં ઉપલબ્ધ નથી. પરંતુ બારડોલી નજીકમાં આવેલ કેદારેશ્વરના પ્રાચીન ઇતિહાસ સાથે બારડોલી સંકળાયેલું છે. હાલની મીંઢોળા નદી પ્રાચીનકાળમાં મંદાકીની નદી તરીકે ઓળખાતી હતી. તેમાં પ્રચંડ પૂર આવવાથી પ્રાચીન નગર કેદારેશ્વર નગરનો નાશ થયો અને લોકોએ સ્થળાંતર કરી બાળાદેવી મંદિર આગળના ઉચાણવાળા ભાગમાં જઈ વસવાટ કર્યો હતો. વખત જતા આ સ્થળનું નામ બાળાદેવી પરથી બારડોલી થયું તેવી લોકવાયકા છે. પ્રાચીન સમયથી મરાઠા રાજ્યના ઉદય સુધી બારડોલી ગામનું કશું મહત્વ ન હતું. સરભોણ તથા વાલોડમાં આવેલી વહીવટી કચેરીઓ દ્વારા પ્રાદેશિક વિસ્તારનું સંચાલન થતું હતું. વિક્રમ સંવત ૧૯૫૬માં જ્યારે દુકાળ પડ્યો, જે આજે પણ છપ્પનીયો દુકાળ તરીકે જાણીતો છે. એ દુકાળમાં રાહતના પગલા ભરવા માટે બ્રિટીશ સરકારે સુરત – ભુસાવળ રેલ્વે લાઈન નાંખવાનું કામ હાથ ધર્યું ત્યારે રેલ્વે એ પોતાના વહીવટી તંત્ર માટે બારડોલીની પસંદગી કરી હતી. ત્યારબાદ જ આ બારડોલી નગર પ્રકાશમાં આવ્યું અને સતત પ્રગતિ કરતું રહ્યું.
બારડોલીની પ્રજાના આત્મવિશ્વાસ અને અડગ હિમ્મત વિષે ગાંધીજીને પુરો વિશ્વાસ હતો. જ્યારે સને ૧૯૨૮માં સરકારી વેરાઓ વિરુધ્ધમાં ગોરી સલ્તનત સામે સત્યાગ્રહ શરૂ કરવા માટે બારડોલીની પસંદગી કરેલી અને સત્યાગ્રહીઓના નેતા તરીકે વલ્લભભાઈ પટેલની વરણી કરવામાં આવી હતી. આ સત્યાગ્રહ સફળ થતા વલ્લભભાઈ પટેલને ‘સરદાર’નું બીરૂદ આપવામાં આવ્યું હતું.
નગરમાં ચાર મુખ્ય માર્ગો છે: સ્ટેશન રોડ, ગાંધી રોડ, લાલ બહાદુર શાસ્ત્રી રોડ અને અસ્તાન અને બાબેન ને જોડતો રોડ. બારડોલીને બે જુના નગર અને નવા નગરમાં વહેચી શકાય. શ્રી કેદારેશ્વર મહાદેવનું મંદિર, સ્વરાજ આશ્રમ અને સરદાર મ્યુઝીયમ જોવાલાયક સ્થળો છે. બારડોલી વિસ્તારનું અર્થતંત્ર મોટેભાગે ખેતી, ખેતીવિષયક સંસાધનો પર આધારિત છે. જેમાં બારડોલી સુગર ફેક્ટરીનો મોટો ફાળો છે. બા.સુ.ફે. બારડોલીના અર્થતંત્રમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ભાગ ભજવે છે.
બારડોલી નગર પાસેથી રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૬ પસાર થાય છે જે સુરત અને ધુલિયાને જોડે છે અને આ માર્ગ બારડોલીથી ૧૫ કિમી કડોદરા મુકામે અમદાવાદ-મુંબઈ રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૮ ને મળે છે. હાલ ધુલિયા-હજીરા બાયપાસ માર્ગનું કાર્ય ચાલે છે આ યોજનાથી બનેલા બાયપાસ માર્ગથી હજીરા જતા વાહનો બારડોલી શહેરની બહારથી નીકળી જશે જેથી બારડોલી માં વિકરતી વાહનવ્યવહારની સમસ્યામાં રાહત થશે. બારડોલી તેની આજુબાજુના અગત્યના શહેરોથી સરેરાશ ૩૦ કિમીના અંતરે આવ્યું હોવાથી બારડોલીને પોતાના આ ભૌગોલિક સ્થાનનો ફાયદો મળે છે. બારડોલી રેલ્વે સ્ટેશન તાપ્તી લાઈન પર આવેલું અગત્યનું સ્ટેશન છે. બારડોલીમાં GSRTC (ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કો.)ના બે સ્ટેશનો આવેલા છે: ૧. મુખ્ય બસ સ્ટેશન - જે બારડોલી રેલ્વે સ્ટેશનની સામે છે. ૨.બારડોલી લીનીયર સ્ટેશન - જે બારડોલીના જુના વિસ્તારમાં સ્થિત છે.
બારડોલીમાં અને તેની આજુબાજુના ગામોમાં રહેતા NRI (Non Resident Indian) અને બીજા ઉદાર દાતાઓ જેવાકે બા.સુ.ફે., સહકારી મંડળીઓ ના સહયોગથી આજે બારડોલી ગુજરાતનું મોખરાનું શિક્ષણ-કેન્દ્ર બનવા આગળ વધી રહ્યું છે. બારડોલી અને બારડોલીના આજુબાજુના વિસ્તારમાં સ્નાતક, એન્જીન્યરીંગ, ટેકનોલોજી, ફાર્મસી, મેનેજમેન્ટ, ઔધોગિક તાલીમની કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓ આવેલી છે.
બારડોલીનું પોતાનું BSNL એક્ષ્ચેન્જ છે જે બારડોલી અને તેના આજુ બાજુ ના વિસ્તારમાં BSNLની વિવિધ સેવાઓ પૂરી પાડે છે. મનોરંજન માટે બે સિનેમાગૃહો: અલંકાર અને મિલાનો આવેલ છે, રંગઉપવન નામનું જાહેર નાટ્ય સ્થળ આવેલું છે અને શહેરના અલગ અલગ વિસ્તારોમાં બગીચાઓ આવેલા છે. નગરના લોકો ખાણી-પીણીના શોખીન હોવાથી નગરમાં આ ઉદ્યોગ પણ ખુબજ ઝડપથી વિકસી રહ્યો છે.
બારડોલીમાં સુરત રોડ પર જૂના વાહનો (કારો અને મોટરસાયકલ) લે-વેચ મોટા પાયે થાય છે.
© Copyright 2018 Marubardoli.com | by Maru Bardoli Team | Privacy Policy | Sitemap